સાગરસખાને / દક્ષા વ્યાસ

ઊભી છું
તારી સાવ સન્મુખ
પાલતુ રૂપકડા શ્વાનની ઝાલર ઝાલીને
રુમઝુમતો રુમઝુમતો તું
નિકટ આવે ઘડીક
પાછો વળે ઘડીક.

હું નરી નિશ્ચલ.
તારી તરલ લીલા નિહાળું
ક્ષણે ક્ષણે નવતા ધારતા રૂપવૈભવને માણું.

તું આવી પહોંચે અચાનક
હણહણતા ધસમસતા
સાત સાત શ્વેત અશ્વોની સવારી પર.
ચહું
રહું નિતાંત અડોલ.
તારી એ ન્યારી છટા મંત્રમુગ્ધ કરે મને.
ધરાર આમંત્રે મને ‌ – મત્સ્યગંધાને.
અવિચલ ચરણોને હલબલાવી મૂકે એ.

સમયની રેત ત્વરિત વેગે
સરસર સરતી અનુભવું છું.
ઊંડી ઊતરું છું,ઓગળતી નથી.
ભુજાઓ ભીડી દઉં છું.
અસ્તિવને અડોલ રાખવાના વ્યાયામમાં વ્યસ્ત છું.
ત્યાં

મનમોહક યાળને માથોડું ઉછાળતો
ઘૂગ્ઘૂના સિંહનાદથી
આકાશના ઘુમ્મટને ગજાવતો
તું

પ્રબલ ગતિએ છલાંગ મારે છે.
અને …
મારી જાણ બહાર જ
આપાદશીર્ષ વીંટળાઈ વળે છે મને .
સમાવી લે છે અતલ ઊંડાણે

હવે–
હું હું નથી
નથી ધરતીનો જીવ.
બહાર આવું છું
યોજનગંધા !