ચકલી / દક્ષા વ્યાસ

પ્રભાતને પહોર
કોકરવાયાં કિરણોની કોર
એકાંત ઓરડે
ઝાકમઝોળ

ચીં ચીં ચક ચક
ચીં ચીં ચક ચક
ઊડાઊડ
ટોડલે અરીસે ટેબલે
ભીંતે મઢેલા ભગવાનની
આશિષ દેતી ઊંચી હથેલીએ

ચપળ ચરણોની તરલ હલચલ
ચંચૂપ્રહાર
ચીંચીંકાર લગાતાર

વીંઝાય પાંખ પાંપણે
આકાશ ઊઘડે
ફ ર ર ર……..ફુ ર ર ર ……
ભૂરું
પીળું
શ્વેત
અનંત અશેષ
ઝૂલે અધ્ધર…..