સન્નાટો / જિગર જોષી

આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું કહું? હા, સન્નાટો.

તું અલ્યા ! એક છે પરપોટો,
તને ફોડવા – વાટાઘાટો!?

ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લીસોટો.

ભીંતમાં આજે પ્રાણ પૂર્યા મેં,
ટાંગી દીધો તારો ફોટો.

એને તો મનમાં’ય નથી કંઇ,
હું મૂંઝાયો ખોટેખોટો.