મશાલને અજવાળે / ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

વીજકડાકે આભ તૂટે ત્યમ વીરની હાકલ થાતી,
દિશદિશની રણભેરી રણનાં ગીત ગુલાબી ગાતી;
‘શૂરા, ઘર કોતર છોડો,
સૂની ધરતી ઢંઢોળો.’

કસકસતી કમ્મર બાંધો, લ્યો ભમ્મર ભાલા હાથે,
તીખી તેજ કટારો વીંઝી ગરજો અણનમ માથે :
‘ જય વરશું કે પરહરશું,
ડગલું પાછું નહિ ભરશું. ‘

સૂરજ ઝૂકે, વાયુ કંપે, ધરતી ધણણણ ધ્રૂજે,
શૂરાનાં શોણિતે રણની તરસી રેણુ ભીંજે :
ભાવિની ઉજળી ભીંતો,
રણનાં ગીતે રંગી દ્યો.

શોણિત છાંટી આભ ભરો નમતી સંધ્યાને ટાણે,
દિશાઓ અજવાળો જગની મશાલને અજવાળે :
ખંખેરી જડતા હરખે,
પ્રજળો ચેતનના તણખે.