ભીનાશ / દક્ષા વ્યાસ

તેં મને ઠામ આપ્યું
નવું નામ આપ્યું. ચાંદલો અને મંગળસૂત્ર
કંકણ અને નુપૂરના શણગાર આપ્યા.
મુલાયમ માટીમાં માવજતથી ઉછેરેલા છોડને
તેં દીવાનખાનાના કુંડામાં જડી દીધો. ક્રિસમસ ટ્રી બનાવી સજાવ્યા કર્યો દિનરાત.
ઝગમગાટે એના ચોમેર ઉજાશ ઉજાશ ! ઓછપની ના રહી કશી ગુંજાશ !!
પર્ણોએ બનાવ્યા કર્યો ખોરાક
વૈભવને રાખ્યા કર્યો જડબેસલાખ
મુલાયમ માટીની ભીનાશ જો લાવી શકી ના સાથ કરજે માફ.