થોડાંક પ્રશ્નો / જિગર જોષી

મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?
મારે પૂછવા છે એક બે સવાલ

એવું કેમ ? પાણીના ભારથી આ વાદળાઓ કોઇ દિવસ થાય નહીં ભફ?
આખો દિ’ પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદી ને કફ ?
પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ?

મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?
મારે પૂછવા છે એક બે સવાલ

ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા ? શું પંખીએ કરી હશે કીટ્ટા?
રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી-કદી તાણવાને લીટા
પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથર્યા રુમાલ?

મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?