ચાંદની મધરાત / ધ્રુવ જોશી

શોધતી હું શ્યામ મ્હારો પાંપણોની ઓથમાં,
રાત જાગું બંધ આંખે બાવરી ના ચેનમાં.

રાસ ખેલે ચાંદ સંગે તારલાઓ આભમાં,
રાહ જોતી હું તપું છું ચાંદની મધરાતમાં.

ફૂલ જેવા શૂળ લાગે સાથ ત્હારી ચાલતાં,
દિલ ગાએ ગૂલ જાણે પ્રેમના બાગાનમાં.

મૂક વાણી સૂણ ક્‍હાના ખૂબ ભીની ભાવમાં,
વાંસળીમાં ફૂંક મારો પ્રેમના આલાપમાં.

પ્રેમનાં આંસુ ભરેલા આંખના ઊંડાણમાં,
ચાખવા છે શ્યામ મ્હારે, મોરલાના નાચમાં.