કૂકડાનું ગીત / કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !…ધ્રુવ.

સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ-ગીત ગાનાર !…અમે0

નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સુનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર !…અમે0

પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે
જાગૃતિ-રસ પાનાર !…અમે0

જાગો, ઊઠો ભોર થઇ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર !…અમે0
(ઉત્ત્તરાર્ધ)
જાગે જગના પ્રાણ સહુ પણ,
વ્યર્થ બધો પોકાર !
આભ ચીરું હું તોય ન પહોંચે
નાદ મૃત્યુને પાર !…અમે0

મૃત્યુ કેરી નીંદ ચિરંતન,
ક્યાં છે જગાડનાર ?
સૂર્યકિરણ જે પાર ન પહોંચે,
શા ખપનો છડીદાર ?

અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !