કિયે ઠામે મોહની / દયારામ

કિયે ઠામે મોહની ન જાણી રે,
મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે? મોહનજી.

ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં,
કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજી.

ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં,
કે મોરલી મોહનની પિછાણી રે? મોહનજી.

શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં,
કે કટાક્ષે મોહની વખાણી રે? મોહનજી.

કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં,
કે શું અંગ-ઘેલી કરી શાણી રે? મોહનજી.

ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં,
કે જોબનનું રૂપ કરે પાણી રે? મોહનજી.

દયાના પ્રીતમ પોતે મોહની સ્વરૂપ છે,
તનમનધને હું લૂંટાણી રે! મોહનજી.