ઉનાળો / જયન્ત પાઠક

રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.
રે આવ્યોo

એના શ્વાસે શ્વાસે સળગે
ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા
પ્રલય તણા પડછાયા.
ભરતો ભૈરવ ફાળો.- રે આવ્યોo

એના સૂકા હોઠ પલકમાં
સાત સમુન્દર પીતા;
એની આંખો સળગે જાણે
સળગે સ્મશાન ચિતા.
સળગે વનતરુડાળો.-રે આવ્યો0

કોપ વરસતો કાળો
રે આવ્યો કાળ ઉનાળો.